અમદાવાદઃ ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણ રાજયમાં ત્રણ દિવસ ગાત્રો થિજાવતી ઠંડી પડશે. હવામાન વિભાગે રાજયમાં ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. કચ્છના નલિયામાં તો સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નિલાય રહ્યું છે જ્યાં તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું છે.


રાજયમાં કુલ 9 શહેરોનું તાપમાન 10 ડિગ્રી કરતા નીચું નોંધાયું છે. 30 તારીખ સુધી વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે.

અમદાવાદ શહેરમાં 30 તારીખ સુધી તાપમાનનો પારો 7 થી 8 ડિગ્રી સુધી નીચો જવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે 31મી તારીખથી તાપમાનમાં નજીવો વધારો થશે.

ગુજરાત સિવાય સમગ્ર દેશની વાત કરીએ તો દેશભરમાં આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં ત્રણ દિવસ સુધી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાન, પંબાજ, હરિયાણા, સહિતના રાજ્યોમાં કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.

ત્યારે જમ્મુ કશ્મીરમાં બરફવર્ષા થતા શીતલહેરની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જમ્મુ-કશ્મીરમાં ભારે હિમવર્ષા થતા તાપમાનનો પાર શૂન્યથી 7.2 ડિગ્રી સુધી ગગડ્યો છે. ગુલમર્ગ, શ્રીનગર, પહલગામનું તાપમાન માઈનસ 5.2 ડિગ્રીથી 7.2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

હિમાચલ પ્રદેશના કિલોંગમાં ઠંડીનો પારો માઈનસ 6.7 ડિગ્રી પર પહોંચ્યો છે. હિમાચલ પ્રદેશના મનાલી અને શિમલામાં ભારે હિમવર્ષા થતા કેટલાક રસ્તાઓ પર બંધ રહ્યા.