અમદાવાદ: ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઠંડી જામી છે. ત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુરૂવારે તાપમાન 3.5 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ, નખી લેક, ગોરા-છાપરા ફાયરિંગ રેન્જ સહિત આસપાસના ડુંગરાળ વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ હતી. ત્યારે પ્રવાસીઓ આબુમાં ખૂબ જ મજા માણી રહ્યાં છે.

ગુરૂવારે વહેલી સવારે ઠંડો પવન વધુ હોવાથી વધુ બરફ જામ્યો ન હતો. ઠંડીના દિવસોમાં જ્યારે વાદળો સવારે વધુ હોય અને પવન હોય ત્યારે બરફ જોવા નથી મળતો. પરંતુ પણ ઠંડી વધુ અનુભવાય છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યાં છે. ગુરૂવારે દિવસભર ઠંડો પવન લહેરાતા આબુની મજા લેવા આવનારા પ્રવાસીઓ ઠુઠવાઇ ગયા હતા.

ગુરૂવારે ગુજરાતીઓ જબરજસ્ત કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે છેલ્લા બે દિવસથી સતત ઠંડી વધી રહી હતી. ઉત્તર દિશાથી કલાકના 5 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે સાંજે 4 વાગ્યા બાદ પવનનું જોર ખૂબ વધ્યું હતું અને જેના કારણે સાંજે 4થી 6ના ગાળામાં ટુ વ્હીલર ચાલકો અને કામધંધો કરતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.