અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે ઉતરપૂર્વના પવનને કારણે ગુજરાત રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે અને હજુ પણ ગુજરાતમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટે તેવી સંભાવના છે. જોકે ગુરુવારે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું હતું. નલિયાનું લઘુતમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું હતું અને કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની સ્થિતિ રહેશે.


જોકે નલિયાનું તાપમાન યથાવત રહેશે. પરંતુ ઠંડા અને સુકા પવનો ફુંકાવવાના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. ત્રણ દિવસ ઉતર ભારત તરફના પવન ફુંકાવવાના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. આજથી ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે.

ગુજરાતમાં સામાન્ય રીતે શિયાળામાં સૌથી ઠંડી નલિયામાં અનુભવાય છે. જોકે આ સિઝનનું અત્યાર સુધીનુ સૌથી નીચું તાપમાન નલિયામાં 5.2 ડિગ્રી રહ્યું છે. જ્યારે દિવસ દરમિયાન પણ પવનને કારણે ઠંડી લાગી રહી છે. ચાલુ શિયાળો થોડો ગરમ રહેવાના સંકેત હવામાન વિભાગે આપ્યા હતા અને પૂર્વાનુમાન પ્રમાણે સિઝન ચાલી રહી છે.

જોકે ઉતર ભારતમા ઠંડી વધી રહી છે. જેની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. એટલે કે ઠંડા અને સુકા પવનો ફુંકાતાની સાથે ગુજરાતનું લઘુતમ તાપમાન ઘટી રહ્યુ છે અને ઠંડીનુ પ્રમાણ વધી રહ્યું છે.