ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ઉત્તર પૂર્વિય પવનો ફૂંકાતા અચાનક કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ હતી. ઉત્તર ગુજરાતમાં ગુરુવારે અચાનક પવનની ગતિ પ્રતિકલાકે 9 કિમી રહી હતી અને ભેજનું પ્રમાણ 78 ટકા રહેતાં દિવસ અને રાત્રિનો પારો ગગડ્યો હતો.
ગુરૂવારે સવારે 8.30 કલાકે તાપમાન 10.6 ડિગ્રી રહ્યું હતું. ડીસામાં દિવસનું 3.2 ડિગ્રી તથા રાત્રે 0.4 ડિગ્રી પારો ઘટતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. હાડ થીજવતી ઠંડીના કારણે બાળકોએ શાળાએ જવાનું પણ ટાળ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતવાસીઓએ ગરમ કપડાં સાથે તાપણાનો સહારો લેવાનો વારો આવ્યો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 24 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે. ઠંડીથી ઉત્તરગુજરાતનું જનજીવન પ્રભાવિત બન્યું હતું.
ઉત્તર પૂર્વિય પવનો ફૂંકાય છે. તેની સીધી અસર ઉત્તર ગુજરાત પર થાય છે અને ઠંડીની અસર વધારે લાગે છે. બીજી તરફ બનાસકાંઠા રણ વિસ્તાર તરફ આવેલ હોવાથી માટી જલ્દી ઠંડી થઈ જાય છે. પરિણામે ઠંડીનુ પ્રમાણ પણ વધી જાય છે હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું.