ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે ભારતના હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. હવામાન વિભાગના અધિકારી મુજબ, હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો વધુ નીચે ગગડી રહ્યો છે.


IMDના અધિકારી પ્રમાણે, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 10 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં એક જ રાતમાં લઘુતમ તાપમાન 10.9 ડિગ્રી ગગડીને માઈનસ 2.4 ડિગ્રી પહોંચ્યો હતો જ્યારે કચ્છના નલિયામાં 7 ડિગ્રી ગગડીને 3.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. આમ ગુરૂવારનો દિવસ ગુજરાતમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો.

જોકે બુધવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્યથી 3 ડિગ્રી ઉપર હતું. શહેરનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્યથી 1.7 ડિગ્રી નીચે હતું. જોકે સાંજ બાદ અમદાવાદમાં ઠંડા પવનો શરૂ થતાં રાત્રે ઠંડી વધી ગઈ હતી. શુક્રવારે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો વધુ નીચે ગગડે તેવી સંભાવના છે.

આગામી પાંચ દિવસ સુધી હવામાન ડ્રાય રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કોલ્ડ વેવની સ્થિતિને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘર વિના ફૂટપાથ પર રહેતા લોકોને નાઈટ શેલ્ટરમાં શિફ્ટ કરવાની ડ્રાઈવ શરૂ કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પવનની દિશામાં ફેરફાર અને રાજસ્થાન-વેસ્ટનાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એક સપ્તાહ સુધી રાજ્યના તાપમાનમાં ફેરફાર જોવા મળશે. ભેજનું પ્રમાણ ઓછું થતાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.

અમદાવાદમાં 10 ડિગ્રી, નલિયામાં 3 ડિગ્રી, ડીસામાં 8 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી, સુરતમાં 13 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી, પોરબંદરમાં 12 ડિગ્રી અને ભુજમાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળ્યું હતું.