અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુગાર જોવામાં મળ્યું હતું. નલિયાનું તાપમાન 6.3 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. આગામી 24 કલાક સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.


છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં અનેક જગ્યાએ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પવન સાથેની ઠંડીથી અનેક શહેરોમાં લોકોએ દિવસભર ઠંડીનો અનુભવ થયો છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવતી જાણકારી પ્રમાણે, આ સપ્તાહમાં પણ ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે.
(તસવીર પ્રતિકાત્મક છે)
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો પરથી સોમવારે એટલે વેસ્ટન ડિસ્ટબન્સ પસાર થનારું છે. જેની અસર તળે મેદાની પ્રદેશો ઉપરથી પસાર થતાં પવન પ્રભાવિત થશે. જેના કારણે આગામી 48 કલાક એટલે કે સોમવાર બપોરથી બુધવાર બપોર સુધી ઠંડી 3 ડિગ્રી સુધી ઘટશે. સિસ્ટમ દૂર થતાં ફરી એકવાર ઠંડી 3 ડિગ્રી જેટલી વધશે.
(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. જ્યારે તેની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં કાતીલ ઠંડીનો લોકોએ અહેસાસ થઈ રહ્યો હતો.