ગાંધીનગર: થોડા દિવસના વિરામ બાદ ગુરૂવારથી અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. અમદાવાદના તાપમાનમાં અચાનક મહત્તમ તાપમાનમાં 5.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 3.4 ડિગ્રીનો ઘટાડો થતાં ગુજરાતીઓ ઠુંઠવાયેલા જોવા મળ્યાં હતાં. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે દિવસ દરમિયાન અને સાંજે પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. જોકે કાલથી તાપમાનનો પારો ફરી ઊંચે જઈ શકે છે.


હવામાન વિભાગની વેબસાઈટના ડેટા પ્રમાણે, શુક્રવારે સવારે શહેરમાં લઘુત્તમ તાપમાન 10.1 ડિગ્રી નોંધાયું જ્યારે ગુરૂવારે તે 9.6 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે મહત્તમ તાપમાન 22.9 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ પ્રમામે, શુક્રવારે રાત્રિ દરમિયાન તાપમાનનો પારો હજુ નીચે ગગડે તેવી સંભાવના છે.

ગુજરાતના હવામાનની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં ન્યૂનત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. ત્યાર બાદ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે. શુક્રવારે નલિયા 4.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું.