અમદાવાદ: ગુજરાતમાં હાલ શિયાળો જામ્યો છે ત્યારે ગુજરાતીઓ માટા સારા સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસ ગુજરાતીઓને ઠંડીથી રાહત મળે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળશે. આ સાથે ઉત્તરપૂર્વથી પૂર્વની દિશાનો પવન છે.


જેના કારણે દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને સૌરાષ્ટ્રનાં ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. થોડા દિવસથી ગુજરાતભરમાં ઠંડીનું જોર વધ્યું છે. પરંતુ હવે અંદાજે ત્રણ દિવસ ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે તેવું લાગી રહ્યું છે.

અમદાવાદમાં આગામી 3 દિવસમાં પારો 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગઈકાલે રાજ્યમાં નલિયા 7.7 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આ સાથે ડીસા, ભૂજ અને વડોદરામાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાનો પવન ફૂંકાય છે. આગામી 48 કલાક દરમિયાન ઠંડીમાં હજુ વધારો થવાની સંભાવના નહિવત્ છે. જોકે 7 અને 8 જાન્યુઆરીએ દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના ભાવનગરની આસપાસ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. માવઠાની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.