ભુજ: ગુજરાત એટીએસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમે રવિવાર મોડી રાત્રે જખૌ પાસે મધ્યદરિયે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં માછીમારી બોટમાં ગેરકાયદેસર દરિયાઈ માર્ગે ગુજરાતમાં રૂપિયા 175 કરોડના નાર્કોટિક્સના જથ્થાને ઘૂસડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.

આ ઉપરાંત બોટમાં 5 પાકિસ્તાની માછીમારોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ સહિતની ટીમે પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માછીમારી બોટમાં કરાચીના 5 ઈસમો ગેરકાયદેસર રીતે અંદાજીત કિંમત રૂપિયા 175 કરોડના નાર્કોટિક્સના 36 પેકેટ ઘૂસાડવાનું ષડયંત્ર કરી રહ્યા હતાં.

ડ્રગ્સના કન્સાઈન્ટમેન્ટને ઈરાની સીમા પશનીથી લેવામાં આવ્યું હતું અને ગુજરાતમાં ડિલીવરી કરવાનું હોવાનું સામે આવ્યું છે. બાતમીને આધારે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. જોકે આ ડ્રગ્સને ગુજરાતમાંથી વિદેશ મોકલવાનું આયોજન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.