હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં આવું જ વાતાવરણ રહેશે. ઘણાં વિસ્તારમાં રાતનું તાપમાન સામાન્યથી 2 ડિગ્રી સુધી ઓછું જઈ શકે છે. મહિનાના અંતે અને નવેમ્બરના પ્રારંભે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાથી પહાડી વિસ્તારમાં હિમવર્ષા થશે તેવું અનુમાન છે. આ ઉપરાંત ઉત્તર દિશામાંથી ઠંડા પવનને કારણે દિવસનું તાપમાન પણ ઘટશે. આ કારણે સવારે ધુમ્મસ પણ જોવા મળશે.
મહત્વની વાત એ છે કે, આજે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વહેલી સારે ઠંડીનો અહેસાસ થયો હતો. સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે, આ સમયે લા નીનાની સ્થિતિ બની શકે છે. જેના કારણે શિયાળો હોળી સુધી લંબાય તેવી શક્યતા છે. ઠંડીની તીવ્રતા પણ વધવાની સંભાવના છે. આ કારણે ચોમાસામાં વરસાદ પણ સામાન્ય કરતા વધારે થયો છે.
હવામાન વિભાગના ડીજી ડૉ. મૃત્યુંજય મહાપાત્રના જમાવ્યા પ્રમાણે, નવેમ્બર મહિનાના અંતે આગામી ત્રણ મહિના એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે શિયાળાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવશે.
આગામી બે અઠવાડિયામાં 4 ડિગ્રી તાપમાનનો ઘટાડો થાય તેવી સંભાવના છે અને દિવાળી સુધીમાં ઠંડીમાં વધારો જોવા મળશે. વિજ્ઞાની મહેશ પાલાવત કહે છે કે, દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી છે. આગામી બે સપ્તાહમાં 16-17 ડિગ્રી થઈ જશે. ત્યાર બાદ દરેક સપ્તાહે 1થી 2 ડિગ્રી ઘટતું જશે. ઓક્ટોબરના અંતે જ્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે ઉત્તરમાં ભારે હિમવર્ષા થશે. આ રીતે દિવાળીની આસપાસ ઠંડી વધવાની શક્યતા છે.