અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ આ વખતે કાતિલ ઠંડી પડી રહી છે. મોર્નિંગ વોક માટે નીકળતાં લોકો સ્વેટર-શાલ પહેરીને ઘરની બહાર નિકળી રહ્યાં છે. શનિવાર અને રવિવારે એટલે આજે અને કાલે ઠંડીનો પારો 11 ડિગ્રી સેલ્સિઅસે પહોંચશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચો જશે. રાજકોટ અને કચ્છ જિલ્લાના કેટલાંક ભાગોમાં સુસવાટા ભર્યા ઠંડા પવન પણ ફૂંકાશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડી અને ઉત્તરપૂર્વ દિશા તરફથી આવતા પવનના કારણે સમગ્ર ગુજરાનાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

શુક્રવારે છેલ્લા 24 કલાકનું મહત્તમ તાપમાન 23.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ હતું. જે અનુક્રમે સરેરાશ કરતાં 3.9 ડિગ્રી ઓછું અને 1.2 ડિગ્રી વધારે હતું.

IMDના રિજનલ ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું હતું કે, અઠવાડિયા બાદ પવનની દિશા બદલાતાં તાપમાનમાં ફરી વધારો થશે. શુક્રવારે 9 ડિગ્રી સાથે ભુજ ઠંડુગાર શહેર બન્યું હતું. જ્યારે નલિયામાં 9.2, અમરેલીમાં 10, ગાંધીનગરમાં 11 તેમજ અમદાવાદમાં 13.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.