રાજ્યમાં આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને નલિયા કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી નીચો જવાની સંભાવના છે. આજે પણ 4.1 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. તો કંડલા 7.6 ડિગ્રી, ગાંધીનગર 8 ડિગ્રી, ડીસા 9 ડિગ્રી, મહુવા 9.1 ડિગ્રી, રાજકોટ 10.6 ડિગ્રી અને અમદાવાદનું 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કડકડતી ઠંડી અને ઠંડા પવનને કારણે રાજ્યમાં જનજીવન ઠૂંઠવાયું છે ત્યારે રાજયમાં આગામી ત્રણ દિવસ રાજયમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરાઈ છે. 29 તારીખ સુધી સૌરાષ્ટ્રના ભાવનગર, કચ્છમાં કોલ્ડવેવની આગાહી થઈ છે. જ્યારે આજે જુનાગઢ, જામનગર, ગાંધીનગર સહિત અનેક સ્થળે કોલ્ડવેવનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાત ઉપરાંત સમગ્રગ દેશમાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત છે. હિમાચલ પ્રદેશના કિલોંગ, કલ્પા અને મનાલીનું લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે નોંધાયું છે. હવામાન વિભાગે પણ આગામી બે ત્રણ દિવસમાં દિલ્લીમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરી છે અને તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. તો હિમાચલ પ્રદેશના કિલોંગમાં લઘુતમ તાપમાન માઇનસ 13.1 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતું. કલ્પા અને મનાલીમાં લઘુતમ તાપમાન માઇનસ 3.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તો હિમાચલ પ્રદેશના જ કુફ્રી અને ડેલહાઉસીમાં તાપમાનનો પારો 1 ડિગ્રીની આસપાસ રહ્યો હતો અને શિમલામાં લઘુતમ તાપમાન 2.8 ડિગ્રી નોંધાયું હતું. તો આ તરફ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં તાપમાનનો પારો 5.2 ડિગ્રી નોંધાયો હતો. તો કાઝીગંજમાં માઇનસ 5.5, ગુલમર્ગમાં માઇનસ 11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન માઇનસ 4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.