ગાંધીનગર: ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. ખાસ કરીને 2 અને 4 ફેબ્રૂઆરીએ રાજ્યમાં 2થઈ લઈને 4 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડતા હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરવો પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ 4 ફેબ્રુઆરીથી ઉત્તર તરફના પવન ફૂંકાશે. જેના કારણે તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કરવા તૈયાર રહેવું પડશે. રાજ્યમાં ફરી ઠંડુનું પ્રમાણ વધી શકે છે.

હાલ નલિયામાં 5.8 અમદાવાદમાં 9.5 ગાંધીનગરમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે સોમવારે આગહી કરતા જણાવ્યું હતું કે, ત્રણ દિવસની રાહત બાદ ફરી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, જો કે છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ઠંડીથી રાહત મળી હતી પરંતુ ફરી ઉત્તર તરફના પવન ફૂંકાતા કોલ્ડવેવને કારણે રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડી અનુભવાશે.

આ સાથે જ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળો પર 24થી 48 કલાક સુધી કોલ્ડવેવની સ્થિતિ રહેવાનો અંદાજ છે. જમ્મુ કાશ્મીર ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને લદ્દાખમાં સામાન્ય વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.