રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં આજથી પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થશે. ધોરણ 12 પાસ કરીને આવેલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા પછી લાંબા સમય સુધી ઘરેથી અભ્યાસ કર્યા બાદ હવે જે કોલેજમાં પ્રવેશ લીધો છે તે કોલેજમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરશે.


જો કે હાલમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી તમામ કોલેજો પૈકી મોટાભાગની કોલેજોમાં હાલ ઈંટરનલ એક્ઝામ ચાલી રહી છે. યુનિવર્સિટીએ દરેક કોલેજોને ફેબ્રુઆરીના અંત સુધીમાં ઈંટરનલ માર્કસ મોકલી આપવા સૂચના આપી હતી. જે પ્રમાણે હાલમાં કોલેજોએ પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઈંટરનલ એક્ઝામ શરૂ કરી દીધી છે.

કેટલીક કોલેજોમાં ચાલુ સપ્તાહમાં ઈંટરનલ પરીક્ષા શરૂ થવાની છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ કોલેજમાં આવીને સીધી પહેલા સેમેસ્ટરની ઈંટરનલ એક્ઝામ આપવી પડશે. કોલેજના ચાલકોએ રાજ્ય સરકારની એસઓપીનું પાલન કરવાનું રહેશે.

ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટંસ જાળવવાનું રહેશે. તો થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું તાપમાન માપી પ્રવેશ આપવાનો રહેશે. આ ઉપરાંત માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. મહત્વની વાત એ કે કોરોનાને લઈ કેટલીક હોસ્ટેલોને કોવિડ સેંટર તરીકે કાર્યકત કરાઈ હતી.

એવામાં હવે આ હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે SOP જાહેર કરાઈ છે. હોસ્ટેલના એક રૂમમાં 2થી વધુ વિદ્યાર્થી નહી રહી શકે. તો કોલેજના બીજા વર્ષના ઓફલાઈન વર્ગ શરૂ કરવા મુદ્દે વિચારણા કરી નિર્ણય લેવાશે.