ગાંધીનગર: ગાંધીનગરમાં સલામતી શાખાના કમાન્ડોએ આર્થિક સંકડામણમાં સર્વિસ રિવોલ્વરથી છાતીમાં ગોળી મારીને આપઘાત કર્યો હતો. પેથાપુર રહેતાં 53 વર્ષીય કમાન્ડો સાતાભાઈ ચૌહાણ ગુરૂવારે રજા હોવાથી ‘સર્વિસ રિવોલ્વરની સફાઈ કરીને આવું છું’ તેમ કહીં ઘરેથી નીકળ્યાં હતા જોકે તેઓ અક્ષરધામની સામે સે-30માં સરકારી મકાન પાસે રોડ પર પડેલાં જોવા મળ્યાં હતાં. ખંડેર વિસ્તારમાં કાર જોતાં પોલીસે ત્યાં જઈ તપાસ કરતાં કમાન્ડો સાતાભાઈ નીચે પડેલાં મળ્યાં હતાં જેથી પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ ભાવનગરના રામધારીના વતની સાતાભાઈના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે. સુસાઈડ નોટમાં તેમણે લખ્યું હતું કે, હું કમાન્ડો છું આ રીતે હારી જઉં તેવો નથી પરંતુ વિધીને વક્રતાને કોઈ રોકી શકતું નથી.
મૃતક કમાન્ડો પાસેથી બે પેજની સુસાઈડ નોટ મળી હતી. જેમાં મોત પાછળ કોઈ જવાબદાર ન હોવાનું કહીંને આર્થિક સંકડામણ હોવાથી છેલ્લા છ મહિનાથી ટેન્શનમાં જીવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ પોતાના નાના ભાઈને પત્ની-બાળકોની ધ્યાન રાખવાનું કહીંને દીકરીનું સારી જગ્યાએ વૈવિશાળ કરી લગ્ન કરાવવાનું કહ્યું હતું.