છેલ્લા 15 દિવસથી રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ સહિતના મહાનગરોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોનાના વકરતા સંક્રમણ વચ્ચે આજથી રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 3 થી 8ની પ્રથમસત્ર નિદાન કસોટી શરૂ થશે.


સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગના ઠરાવ અને પરિપત્ર મુજબ દરેક જિલ્લા કક્ષાએથી ધોરણ 3 થી 8ના વિવિધ વિષયોના કોમન પેપરો સ્કૂલોમાં મોકલવાના રહેશે અને ડીઈઓ-ડીપીઓની જવાબદારી હેઠળ પરીક્ષાઓ લેવાની રહેશે.


સરકારે ગયા મહિનાથી ધો.6 થી 8માં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દીધુ છે અને જેથી બાળકો સ્કૂલે આવી રહ્યા છે પરંતુ તેમ છતાં સરકારની ગાઈડલાઈન મુજબ જો વિદ્યાર્થીને વાલીને સ્કૂલે મોકલવા ન માંગે તો વિદ્યાર્થી ઘરેથી પરીક્ષા આપી શકશે. 


ઓનલાઈન પેપર ડાઉનલોડ કરીને ઉત્તરવહી કે નોટમાં જવાબો લખી વાલીએ સ્કૂલે રોજે રોજના પેપરો અથવા એક સાથે પેપરો મોકલી દેવાના રહેશે. આ વર્ષે દ્રિતિય સત્ર કસોટી નથી આ પ્રથમ સત્ર નિદાન કસોટી બાદ સીધી જ જુનમાં વાર્ષિક પરીક્ષા યોજાનાર છે અને જેથી આ પ્રથમ સત્ર પરીક્ષા આપવી પણ બાળકો જરૂરી છે અને તેના માર્કસ વાર્ષિક પરીક્ષાના પરિણામમાં ઉમેરાશે.


આ પરીક્ષા રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં એક સાથે એક જ સમયે કોમન પેપરથી લેવાશે. ધો.3 થી 5માં હજુ ક્લાસરૂમ શિક્ષણ શરૂ થયુ ન હોવાથી આ ધોરણના બાળકોએ ઘરેથી પેપરો લખવાના રહેશે.