કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં તો ડબલ ડિજીટમાં આવી ગયેલા કોરોનાના કેસો ફરી એક વાર ત્રણ ડિજીટમાં નોંધાઈ રહ્યા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે જ ચાર મહાનગરમાં આજથી રાત્રી કર્ફ્યુની અવધિ પૂર્ણ થઈ રહી છે.


ત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈપાવર કમિટીની બેઠક આજે બેઠક મળશે.. જેમાં વધતા સંક્રમણ વચ્ચે કર્ફ્યુ યથાવત રાખવું કે સમય બદલવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ ચારેય મહાનગરમાં રાત્રીના 12થી સવારે 6 વાગ્યે કર્ફ્યુ અમલમાં છે.


નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાનો ફફડાટ ફરી એક વખત જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી બેકાબૂ બન્યું છે. દિવસેને દિવસે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં 810  નવા કેસ નોંધાયા હતા જ્યારે 586  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને ખેડામાં 1 મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4424 લોકોના કોરોનાથી મોત થયા છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,69,361 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.82 ટકા પર પહોંચ્યો છે. હાલ 4422 એક્ટિવ કેસ છે, જેમાંથી 54 લોકો વેન્ટિલેટર પર અને 4368  લોકો સ્ટેબલ છે.


ગઈકાલે નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 217, અમદાવાદ કોર્પોરેશનમાં 163, વડોદરા કોર્પોરેશનમાં 95, રાજકોટ કોર્પોરેશન 61, ભાવનગર કોર્પોરેશન 25, સુરત 24, વડોદરા 22,  મહેસાણા 18, ખેડા 17, પંચમહાલ 17, આણંદ 13, મોરબી 13, દાહોદ 10, પાટણ 10, રાજકોટ અને સાબરકાંઠામાં 9-9 કેસ નોંધાયા હતા.


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 19,77,802 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,00,635 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 57,914 લોકોને રસી આપવામાં આવી છે.