Kadi By Elections : રાજ્યમાં બે બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાશે. કડી પેટા ચૂંટણીને લઈ કૉંગેસે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કૉંગ્રેસે આ બેઠક પરથી રમેશ ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે. રમેશ ચાવડા પૂર્વ ધારાસભ્ય છે. તેઓ 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. રમેશ ચાવડાએ કડી બેઠક પરથી 2012માં હીતુ કનોડીયાને હરાવ્યા હતા.
કૉંગ્રેસના એક્સ પરથી પોસ્ટ કરવામાં આવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત વિધાનસભાની આગામી પેટાચૂંટણી માટે 24 -કડી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશભાઈ ચાવડાની ઉમેદવારીને મંજૂરી આપી છે.
ભાજપના હીતુ કનોડિયાને હરાવ્યા હતા
કડી બેઠક પર વર્ષ 2012માં કૉંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હીતુ કનોડિયાને હરાવી જીત્યા હતા. કડી બેઠક વર્ષ 2012માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2017માં ભાજપના સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા હતા અને વર્ષ 2025માં ભાજપે રિપીટ કરેલ સ્વ. કરશન સોલંકીએ કૉંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા. વર્ષ 2025ની શરૂઆતમાં ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. જેના માટે હવે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
કડી વિધાનસભા બેઠક પર આગામી 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 23 જૂનના દિવસે કરવામાં આવશે. આ વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માગતા ઉમેદવારો 26 મેથી ફોર્મ ભરી શકશે. હવે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ)એ જગદીશ ચાવડાને ટિકિટ આપી હતી. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નામ જાહેર કર્યું હતું. ઇસુદાન ગઢવીએ કહ્યું કે કડી, વિસાવદરમાં મજબૂતીથી લડીશું. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે.