અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા જિજ્ઞેશ મેવાણીની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ છે. વડગામથી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ પોસ્ટ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસને લઈને કરી છે.   કૉંગ્રેસ પક્ષમાં રહીને જ પક્ષને નુકસાન કરનારા કેટલાક નેતાઓને લઈ મેવાણી આક્રમક થયા છે. 

જિગ્નેશ મેવાણીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો ?  બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા - આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં ??  મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે.  કૉંગ્રેસ MLA જિજ્ઞેશ મેવાણી પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી નારાજ હોવાનું લાગી રહ્યું છે. સોશલ મીડિયા પર પોસ્ટ કરીને મેવાણીએ નારાજગી  વ્યક્ત કરી છે.        

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને કડી બેઠક પર પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેમણે આ જવાબદારીનો સ્વીકાર કરવાની ના પાડી હતી.  હવે તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને જવાબદારી સોંપવામાં આવી છે.   પ્રદેશ નેતાગીરીથી નારાજ  જિજ્ઞેશ મેવાણીએ દિલ્હીમાં હાઈકમાન્ડને રજૂઆત કરી હોવાના અહેવાલ છે.    

ગુજરાતમાં બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે

રાજ્યામાં બે બેઠકો પર પેટા ચૂંટણી છે.  વિસાવદર અને  કડી વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ  જાહેરાત થઇ ગઇ છે. 19 જૂને  બંને ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાશે.   વિસાવદર અને કડીની  વિધાનસભાની પેટાચૂંટણી 19 જૂને યોજાશે.  26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. જ્યારે  2 જૂન  ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હશે.   23 જૂને પેટાચૂંટણીના પરિણામો આવશે. તમામ પક્ષો હાલ તો આ બે બેઠકોની પેટા ચૂંટણીને લઈ કામે લાગી ગયા છે.