અમદાવાદ: રાજ્યમાં ચોમાસા દરમિયાન પૂરના લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારની સમિતિ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટને નકારી કાઢ્યો છે. આ સમાચારને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ છે. પાકવીમા બાબતે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર કિસાન કૉંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. પાલભાઈ આંબલિયા કહ્યું કે,  ખેડૂતોએ પાકવીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાકવિમો ન મળ્યો. સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાકવિમો ન આપ્યો. અંતે ખેડૂતોએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વાત રજૂ કરી.  ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે. 

કિસાન કૉંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ શું કહ્યું ?

પાલભાઈએ જણાવ્યું કે, છેલ્લા 8 વર્ષથી અમો જે અવાજ ઉઠાવતા હતા એ વાત આજે હાઇકોર્ટે સાચી ઠેરવી છે.  પાકવીમાં બાબતે હાઈકોર્ટે ગુજરાત સરકારને આ બીજી વખત ઝાટકણી કાઢી છે.  આ જ મુદ્દે અગાઉ પણ હાઇકોર્ટે સરકારને એલિયન સાથે સરખાવી હતી.  સરકાર કાયમી ખેડૂતોના ભોગે ખાનગી પાકવીમાં કંપનીઓને બચાવવા પ્રયત્ન કરતી રહી છે. સરકારે ગાઈડ લાઈન ઉપરવટ જઈને ટેકનીકલ કમિટી બનાવી છે.   આ ટેકનીકલ કમિટીએ વીમા કંપનીને બચાવવા પાકવીમાંના આંકડાઓ બદલાવ્યા છે. આંકડા બદલવાની વાત સરકારે સોગંદનામું રજૂ કર્યું એમાં સ્વીકાર કર્યો છે.   સોગંદનામાંમા ટેકનીકલ કમિટી બનાવવાનો પણ સરકારે સ્વીકાર કર્યો છે.   ત્યારે સવાલ એ છે કે સરકાર ખેડૂતો માટે છે કે ખાનગી કંપનીઓ માટે. સરકારે ખેડૂતોએ ભરેલ પ્રીમિયમ પેટે પાકવિમો આપવો જોઈએ કે ખાનગી પાકવીમાં કંપનીઓને બચાવવી જોઈએ ?

સમિતિએ યોગ્ય સર્વે ન કર્યો હોવાનું હાઇકોર્ટે અવલોકન

રાજ્યમાં વર્ષ 2017-2018 માં ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત વળતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતગર્ત લાયકાત ધરાવતા ખેડૂતોને વળતર આપવા માટે સરકાર દ્વારા નિમાયેલી સમિતિએ યોગ્ય સર્વે ન કર્યો હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું છે. 

આગામી સુનાવણી 26 જુલાઇએ હાથ ધરાશે

ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના જ સરકારની સમિતિએ રિપોર્ટ તૈયાર કર્યો હોવાની હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી.  ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારના આ રિપોર્ટને નકારી કાઢવામાં આવ્યો હતો. હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોના ક્લેમ બાબતે પણ કમિટીએ સુનાવણીની તક નહીં આપી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે. આ ઉપરાંત બે અઠવાડિયામાં નવેસરથી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો  પણ આદેશ કર્યો છે. આ અંગે આગામી સુનાવણી 26 જુલાઇએ હાથ ધરાશે.