ગાંધીનગરઃ 2019ની લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દિધુ છે. જવાહર ચાવડાના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ છે. જવાહર ચાવડા રાજીનામું આપ્યા બાદ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપના કાર્યાલય કમલમ ખાતે જવહાર ચાવડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.



જવાહર ચાવડાએ કહ્યું, તમામ હિસાબ ચૂકતો કરીને આવ્યો છું. કોંગ્રેસમાં મને કોઇ વાંધો ન હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી મુંજાતો હતો. જવાહર ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસમાં મને મજા ન આવતી હોવાથી ભાજપમાં જોડાયો છું. આથી લોકો જેમ નવી હોટલમાં જમવા જાય તેમ નવી પાર્ટીમાં આવ્યો છું. કોંગ્રેસ પ્રત્યે મને કોઇ અસંતોષ નથી. ભાજપમાં મને જે કામ સોંપવામાં આવશે તે હું કરીશ. જવાહર ચાવડાએ ભાજપ કાર્યલય કમલમ પહોંચીને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હાથે મીઠાઈ ખાઈને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જવાહર ચાવડાને કેબિનેટમંત્રી પદ મળે તેવી શક્યતા છે.

જવાહર ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને પોતાનું રાજીનામું આપ્યું હતું. આ બાબતે નિવેદન આપતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતુ કે, 'જવાહર ચાવડાએ પોતાના રાજીનામા અંગે કોઈ કારણ આપ્યું નથી. સ્વેચ્છાએ રાજીનામું આપતા તેનો સ્વિકાર કરવામાં આવ્યો છે.