ગાંધીનગર:   હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ રાજ્યમાં  રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોએ પેપર લીક કાંડમાં જે લોકો સંડોવાયેલા છે તેમની સામે  કડક પગલાં લેવાની માંગ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના રાજીનામાની પણ માંગ કરી છે. પેપકલીકને કારણે વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં જતી હોવાને કારણે જવાબદારો સામે પગલાં લેવાં કૉંગ્રેસે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. આ કૌભાંડમાં તમામ 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓના હિતમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હેડ ક્લાર્કની લેખિત પરીક્ષા રદ કરવામાં આવે છે. હેડ ક્લાર્કની પુનઃ પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. કોઈની ઉંમર વધુ થતી હશે તો તેને છુટછાટ આપવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષા યોજાઇ તે પહેલા જ પેપરલીક કાંડના આરોપીઓને સજા થાય તેવો દાખલો બેસાડીશું. 


તેમણે કહ્યું કે, પેપર લીક કાંડમાં તાત્કાલીક તપાસના આદેશ અપાયા. પેપર લીક કાંડના મીડિયાના અહેવાલ બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરી. પેપર લીક કાંડ કેસમાં પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. પેપર લીક  કાંડ કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજદીન સુધીમાં 30 લાખની રોકડ જપ્ત કરી છે. આવનારા દિવસોમાં રોકડની રકમ વધશે તેવી આશંકા છે. તમામ આરોપીઓ સામે કડકમાં કડ પગલા લેવામાં આવશે. આ ઐતિહાસિક સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવું સંકલન કરાશે. ફાસ્ટ્ર ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવા માટે વિભાગો વચ્ચે સંકલન કરાશે.