દહેગામઃ પ્રેમી અને પ્રેમીકાની નવી એક કહાની દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામમાંથી સામે આવી છે. અહીં એક રબારી સમાજની યુવતી પ્રેમમાં એટલી બધી પાગલ થઇ ગઇ કે તેને પ્રેમીને પામવા મોટુ ષડયંત્ર રચી કાઢ્યુ. યુવતીએ પોતાના બનેવી સાથે મળીને પ્રેમીના અને તેના નામ વાળુ ખોટુ લગ્ન પ્રમાણપત્ર બનાવી દીધા હતા, યુવતીએ આ બધુ માત્રને માત્ર પોતાના પ્રેમીને પામવા માટે કર્યુ હતુ. જોકે પોલીસે સમગ્ર ઘટનાનો ભાંડો ફોડીને યુવતીને પકડી લીધી હતી. 


માહિતી એવી છે કે, દહેગામના પાલુન્દ્રા ગામની રબારી સમાજની યુવતીને તેના જ ગામમાં રહેતા ચૌહાણ સમાજના યુવક સાથે ગાઢ પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. યુવતી પોતાના પ્રેમીને પામવા માટે તત્પર હતી, પરંતુ જ્યારે યુવકની પોતાના સમાજની યુવતી સાથે સગાઇ કરવામા આવી હતી, એ વાતની જાણ યુવતીને થઇ જતાં તેને થયુ કે તેનો પ્રેમી પોતાનાથી દુર થઇ જશે. આ કારણોસર તેને પ્રેમીની સગાઇ તોડાવવા બનેવી સાથે મળીને ખોટા લગ્નના પ્રમાણપત્ર બનાવી ફેસબુક ઉપર વાયરલ કરી દીધા હતા. આ યુવતીનુ નામ કાજલ ઇશ્વરભાઇ દેસાઇ છે. 


કાજલ ઇશ્વરભાઇ દેસાઇએ બોરીજમા રહેતા પોતાના બનેવી મનીષ અમરતભાઇ રબારી સાથે મળીને ગુગલ ઉપરથી લગ્નના પ્રમાણપત્રનો ફરમો શોધી કાઢ્યો અને તેની કલર ઝેરોક્ષ કઢાવી હતી, તેનુ અને તેના પ્રેમીના ફોટા અને નામ સાથેનુ લગ્નનુ પ્રમાણપત્ર બનાવી ફેસબુક પર એકાઉન્ટ બનાવી અપલોડ કરી દીધુ હતુ. ડમી મોબાઇલ નંબર ઉપરથી યુવતીએ તેના અને તેના પ્રેમીના સગા સબંધીઓને લગ્નનુ પ્રમાણપત્ર સોશિયલ મીડિયાથી મોકલી આપ્યુ હતુ.


બાદમાં દહેગામના પાલુન્દ્રા ગામના રબારી અને ચૌહાણ સમાજના આગેવાનો દ્વારા સાઇબર ક્રાઇમમા ફરિયાદ દાખલ કરાઈ હતી. જેને પગલે આ ગુનાનો ભેદ સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે બે દિવસમાં ઉકેલી નાખ્યો હતો. પોલીસે યુવતી અને તેના બનેવીની ધરપકડ કરી હતી. સાઇબર ક્રાઇમની ટીમે કેસને ઉકેલી નાખ્યો હતો અને યુવતી કાજલ અને તેના બનેવી મનીષની ધરપકડ કરી લીધી હતી. ત્યારં આ બંને આરોપીઓને કોર્ટમા રજૂ કરતા બે દિવસના રીમાંડ મળ્યા હતા.