દેશભરમાં પેટ્રોલ-ડીઝલ સહિતની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. જેથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ સહિતના ભાવ વધારાના મુદ્દે આજે ગુજરાતભરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું.  મોરબી, બનાસકાંઠા, અરવલ્લી, સુરતમાં પણ કૉંગ્રેસે મોંઘવારીને મુદ્દે વિરોધ નોઁધાવ્યો છે. મોરબી જિલ્લામાં કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ અને ગેસના ભાવના વધારાનો વિરોધ કર્યો. કૉંગ્રેસના કાર્યકરો નવા બસ સ્ટેન્ડ પાસે એકત્ર થયા અને તેલના ડબ્બા, રાંધણ ગેસના સિલિન્ડરને હાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી.  રસ્તા પર સૂઈ જઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 


બનાસકાંઠાંમાં પણ મોંઘવારીના વિરોધમાં કૉંગ્રેસના કાર્યકરો ધરણાં પર બેઠા હતા. જિલ્લાના કોંગ્રેસી ધારાસભ્યો સહિત કોંગ્રેસી આગેવાનોના ધરણામાં જોડાયા હતા. આ સાથે જ ક્લેક્ટર કચેરી સામે સુત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં જિલ્લા ક્લેક્ટરને આવેદન આપ્યું હતું.  અરવલ્લી જિલ્લામાં પણ કૉંગ્રેસે મોંઘવારીને લઈ વિરોધ નોંધાવ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મોડાસા ચાર રસ્તા પાસે કાર્યકરો એકત્ર થયા અને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.  સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે વિરોધ પ્રદર્શન શરૂ કરતાની સાથે જ પોલીસે કાર્યકર્તાઓ સાથે આગેવાનોની ધરપકડ કરી હતી. અંદાજીત 30 કરતાં વધુ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.


સુરતમાં કોંગ્રેસ દ્વારા વધુ એક વખત વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અઠવા લાઈન્સ ખાતે એકઠાં થયેલા સેંકડો કોંગ્રેસી કાર્યકરો દ્વારા દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જો કે, આ દરમ્યાન સ્થાનિક પોલીસ દ્વારા કોંગ્રેસ આગેવાનો સહિત 100થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.


કૉંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં ત્રણ તબક્કામાં મોંઘવારી મુક્ત ભારત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.  સતત વધી રહેલી મોંઘવારીથી પીડાતી પ્રજાને વાચા આપવાના ભાગરૂપે કોંગ્રેસીઓ દ્વારા કેન્દ્ર સરકાર વિરૂદ્ધ બેનર સાથે સૂત્રોચ્ચારના કાર્યક્રમ દરમ્યાન સ્થાનિક પોલીસ દ્વારા 100થી વધુ નેતા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. 


આણંદમાં નવા બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલ અને ડીઝલ સહિતના ભાવ વધારાને લઈ કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો. આણંદના ધારાસભ્ય સહીત કાર્યકરો અને મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી. જ્યાં મહિલા કાર્યકરોએ લાકડાથી ચુલો સળઞાવી રોટલી બનાવી  વિરોધ નોંધાવ્યો હતો.  મહીસાગરમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. લુણાવાડા ચાર રસ્તા સરદાર પટેલની પ્રતિમાની સામે કોંગી કાર્યકરોએ હાથમાં બેનર રાખી વિરોધ પ્રદશન કર્યું.