Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની 3 સીટો માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. આજે જૂનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જૂનાગઢથી હિરા જોટવાને ટિકિટ આપવામાં આવી છે.  વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. ઋત્વિક મકવાણા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.






જૂનાગઢ સીટ માટે જાહેર કરાયેલા હીરાભાઈ જોટવાએ ગઈ વિધાનસભા ચૂંટણી કેશોદ સીટ પરથી ઝંપલાવ્યું હતું. જેમાં તેમનો માત્ર 4208 મતથી પરાજય થયો હતો. વડોદરા સીટ પર જાહેર થયેલા ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર પણ ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પાદરા સીટ પર તેમનો ભાજપ સામે 6,178 મતથી હાર થઈ હતી. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 235 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ અગાઉ 12 અલગ-અલગ લિસ્ટમાં 232 ઉમેદવારોની જાહેરાત કરી હતી, જ્યારે દેશમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે. 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ વધુ છ તબક્કામાં મતદાન થશે અને મત ગણતરી 4 જૂન, 2024ના રોજ થશે.


ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે


ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે. 



આ તબક્કામાં યોજાશે મતદાન


દેશમાં લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.



  • પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

  • બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. 

  • ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.

  • ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.