વિવાદિત અને વધુ દાવેદારો ધરાવતા વોર્ડના ઉમેદવારો બીજા તબક્કામાં જાહેર થશે. મહત્વનું છે કે, પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને વિપક્ષ નેતાની બેઠક મળી હતી. જેમાં છ મહાનગરપાલિકાના નિરીક્ષકો અને શહેરના અગ્રણી નેતાઓ હાજર રહ્યા છે. જેમાં પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી પર અંતિમ મહોર લાગી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
નોંધનીય છે કે, કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે.
જો કોઈ બેઠક પર પુનઃ મતદાનની જરુર પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે. કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે.