અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે કૉંગ્રેસ આવતીકાલથી જિલ્લા તાલુકા અને મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે. જેમાં જિલ્લા પંચાયતની બેઠકો તથા વોર્ડ દિઠ પણ જનસપર્ક કરાશે.


આ જન સંપર્ક અભિયાન માંટે ખાસ ટીમ પણ બનાવાઈ છે. જેમાં કોણ ક્યાં આ અભિયાનમાં જોડાશે તેમના નામ પણ નક્કી કરી લેવાયા છે. રાજીવ સાતવ અને અમિત ચાવડા મોડાસર જન સંપર્ક કરશે. પરેશ ધાનાણી ઉપલેટા અને રાજકોટ શહેરમાં જનસંપર્ક કરશે. જ્યારે ભરતસિંહ સોલંકી વડોદરા શહેરમાં જનસંપર્ક કરશે. અર્જૂન મોઢવાડિયા ટંકારા અને જામનગર શહેરમાં જનસંપર્ક કરશે. તુષાર ચૌધરી ચૌર્યાસી અને સુરત જિલ્લામાં, જ્યારે દિપક બાબરિયા ઇસનપુર અને ખોખરામાં અને સી જે ચાવડા નરોડામાં જનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું ગમે ત્યારે બ્યૂગલ ફૂંકાઈ શકે છે. ત્યારે કૉંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની સાથે સાથે પ્રચાર અભિયાનને પણ તેજ કર્યું છે. રાજયના મહાનગરોમાં હેલ્લો અભિયાન બાદ કૉંગ્રેસે હવે મહા જનસંપર્ક અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. આ અભિયાન 18 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી ચાલશે. જે 6 મહાનગરપાલિકામાં ચૂંટણીઓ યોજાવાની છે તેના 145 વોર્ડ, 81 નગરપાલિકાના 684 વોર્ડ, જિલ્લા પંચાયતની 988 બેઠકો અને તાલુકા પંચાયતની 4 હજાર 770 બેઠકો પર આ અભિયાન દરમિયાન કૉંગ્રેસ બેઠકો યોજશે.

મહા જનસંપર્ક અભિયાન દરમિયાન કૉંગ્રેસના 270 જેટલા નેતાઓ દસ દિવસ દરમિયાન કુલ 17 હજાર ગામોની મુલાકાત કરી લોકોના પ્રશ્નો જાણશે. જન સંપર્ક અભિયાનની સાથે સાથે કૉંગ્રેસે હાલ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ તેજ કરી છે.. આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પાર્ટીએ 50 ટકા નવા ચહેરાઓને સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે.