ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું હતું. મળતી જાણકારી અનુસાર, નાંદોદના ઢોલારમાં સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને સલાહ આપી હતી કે બુટલેગરોનો કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે જાતે મહુડાનો દારુ બનાવીને પીવો. મનસુખ વસાવા નાંદોદના ઢોલાર ગામમાં આયોજિત આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠકમા હાજર રહ્યા હતા. અહીં મનસુખ વસાવાએ આદિવાસીઓને ઘરે મહુડાનો દારુ બનાવીને પીવાની સલાહ આપી હતી. એટલુ જ નહીં ઉદ્ધાટન પહેલા જ જર્જરિત થયેલ ગ્રામ પંચાયત ભવનના નબળા બાંધકામનો દોષ પણ નરેગા પર ઢોળી દીધો હતો.

Continues below advertisement

 બુટલેગરોએ બનાવેલા કેમિકલયુક્ત દારુ પીવાને બદલે ઘરે જાતે મહુડાનો દારુ બનાવીને પીવાની સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને સલાહ આપી હતી. સાથે જ ભગવાન બિરસા મુંડાના આદર્શો ભુલી દારૂના રવાડે ચડેલા યુવાનોને સારૂ શિક્ષણ મેળવી, લાયક બનવાનું આહ્વાન કર્યુ હતું. 

Continues below advertisement

હાલમાં ઢોલાર ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનમાં ઉદ્ઘાટન પહેલા જ મોટી તિરાડો પડી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બેઠક દરમિયાન સાંસદે આ મુદ્દે સ્પષ્ટતા કરતા નબળા બાંધકામનો સમગ્ર દોષ 'નરેગા' (NREGA) યોજના પર ઢોળી દીધો હતો. જો કે તેમણે ગ્રામજનોને ખાતરી આપી હતી કે તેઓ આનાથી પણ સારું અને નવું મકાન બનાવી આપશે.

બેઠક દરમિયાન મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં કેમિકલવાળો દારૂ ઘુસાડતા બુટલેગરો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, બુટલેગરો મોટા કન્ટેનરો ભરીને દારૂ લાવે છે અને આદિવાસી યુવાનોને બરબાદ કરી રહ્યા છે. તેમણે એક સલાહ આપતા જણાવ્યું કે, 'બુટલેગરોનો કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવા કરતા, આદિવાસીઓએ ઘરે જાતે મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવો જોઈએ.' સાંસદની આ વિવાદીત સલાહથી ભારે ચર્ચા જાગી છે. તેમણે ટકોર કરી કે, 'આપણે માત્ર 'બિરસા મુંડા ઝિંદાબાદ'ના નારા લગાવીએ છીએ, પણ તેમના સંઘર્ષને ભૂલી ગયા છીએ. સોશિયલ મીડિયા પર ભાજપ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા વસાવાએ કહ્યું કે, 'તેમને રાજકારણનો 'ર' પણ ખબર નથી.' આજકાલના બની બેઠેલા નેતાઓને ભાજપે કરેલા વિકાસકામોની કોઈ જાણકારી જ નથી.