ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. આ ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારના સામાન્ય રહેઠાણ પર એટલે કે ઘરે ફ્લશ જાજરૂ (વોટર ક્લોઝેટ ટોઈલેટ) ન હોય તેવી વ્યક્તિ સભ્ય થવા ગેરલાયક ઠરશે એવો ઉલ્લેખ કરીને વિવાદ પેદા કર્યો છે. પંચે ઉમેદવાર ફોર્મ ચકાસણી વખતે આ અંગેની તપાસ કરીને નિર્ણય લેવા આદેશ કરતો પત્ર ગુજરાતના તમામ ચૂંટણી અધિકારીઓને કર્યો છે.

ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીની સહીથી સોમવારે જારી થયેલા આદેશમાં ‘ફ્લશ જાજરૂ’નો ઉલ્લેખ કરાયો છે. આ શબ્દની પસંદગી અંગે વિવાદ સર્જાયો છે. ચૂંટણી અધિકારીઓનું કહેવુ છે કે, ફ્લશ જાજરૂ એટલે જેમાં પાણી રેડવા માટે ટેન્ક હોય અને દબાવવાથી ફ્લશ થાય. દરેક ઉમેદવારના ઘરમાં આવુ ટોઈલેટ હોઈ ન શકે તેથી ઉમેદવારી પત્ર ચકાસણી વખતે વિરોધી ઉમેદવાર આ અંદે રજૂઆત કરે તો ચૂંટણીમાં તેનું ફોર્મ રદ કરવુ પડે તેવી નોબત આવશે.રાજ્ય સરકારના અધિકારીઓનું માનવું છે કે ‘ફ્લશ જાજારૂ’ને બદલે શૌચાલય શબ્દનો ઉપયોગ થવો જોઈએ.

સચિવ મહેશ જોશીએ બચાવ કર્યો છે કે, ઉમેદવારી ફોર્મમાં વોટર ક્લોઝેટ ટોઈલેટનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે કહ્યું કે, સામાન્ય રહેઠાણના સ્થળે ફ્લશ જાજરૂ (વોટર ક્લોઝેટ) ન હોય તેવી વ્યક્તિ સભ્ય (જનપ્રતિનિધી તરીકે ) માટે ગેરલાયક થશે એ શરત ઉમેદવારી ફોર્મનો ભાગ નથી. આ અંગે કોઈ રજૂઆત આવે અથવા ચૂંટણી અધિકારીને જરૂર જણાય ત્યાં તે માટે તપાસ કરી શકશે, જરૂર જણાય ત્યાં પ્રમાણપત્ર કે સોંગદનામું માંગી શકશે, અને સમયમર્યાદામાં નિયમાનુસાર નિર્ણય કરી શકશે.