દાહોદ: ગરબાડાના દેવધા ખાતે માતાના મરણ બાદ હિન્દુ અને ખ્રિસ્તી ધર્મ પાળતા ભાઈઓ વચ્ચે અંતિમવિધિને લઈને વિખવાદ સામે આવ્યો છે. માતાના મૃત્યુ બાદ હિન્દુ અને ખ્રિસ્તી પુત્ર વચ્ચે અગ્નિદાહ અને દફનવિધિ માટે વિખવાદ થતા હાલમાં આ મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. મોટાભાઈએ અંતિમદાહનીની તૈયારી તો નાના ભાઈએ જેસીબી બોલાવી દફનવિધિની તૈયારીઓ કરતા બબાલ મચી હતી. દેવધાના 65 વર્ષીય સેનાબેનનું અવસાન થયા બાદ તેમની અંતિમવિધિને લઈને વિવાદ શરૂ થયો છે. વિવાદ એટલો વધી ગયો કે તેના માટે પોલીસ બોલાવવી પડી હતી. ગામના પંચ દ્વારા સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને હિન્દુ સ્મશાન પાસે દફનવિધિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્યમાં ફરી વરસશે ધોધમાર વરસાદ
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. જ્યારે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે અને આવતીકાલે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છ પંથકમાં પણ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, મોરબી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉપરાંત આવતીકાલે રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે. સોમવારે બનાસકાંઠા, પાટણ, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.