અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવના વધુ ત્રણ કેસ નોંધાતા સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. રાજકોટમાં આજે 3 નવા કેસ સામે આવતા કુલ 8 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં ત્રણનાં મોત થઈ ચૂક્યા છે.


રાજકોટમાં આજે જે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાં 37 વર્ષીય યુવક વિદેશથી આવ્યા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે અન્ય બે દર્દીને લોકલ કોન્ટેકટના કારણે ચેપ લાગ્યો હોવાની વિગતો મળી છે.

ગુજરાતમાં કોરોનાના 47 કેસ સામે આવ્યા છે. જેમાં હાલ સૌથી વધુ અમદાવાદ શહેરમાં 16 કેસ છે, વડોદરા અને રાજકોટમાં 8-8 કેસ, સુરત અને ગાંધીનગરમાં 7-7 કેસ અને ભાવનગર-કચ્છમાં 1-1 પોઝિટવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી પ્રથમ મોત સુરતમાં થયું હતું જ્યારે બુધવારે અમદાવાદમાં વધુ એક મોત નિપજ્યું હતું. તેના બાદ ભાવનગરમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

રાજયમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 950 ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાંથી 47 પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં હાલ દરરોજ એવરેજ 1 હજાર ટેસ્ટ કરવાની ક્ષમતા હોવાનો આરોગ્ય વિભાગ તરફથી દાવો કરવામા આવ્યો છે. કોરોનના પોઝિટવ દર્દીઓની સારવાર સાથે સરકારે ઘરે ઘરે જઈ સર્વે શરૂ કર્યો છે. જો કે અત્યાર સુધીમાં 3 કરોડ 50 લાખ જેટલા લોકોનો સર્વે પૂર્ણ કરી લેવાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજયમાં હાલ જે લોકોને હોમ ક્વોરન્ટાઈનમાં રખાયા છે તેઓને નિયમોનું ચુસ્ત પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે.

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 843 કેસ નોંધાયા છે અને કુલ 17 લોકોનાં મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના અનુસાર કોરોનાથી દેશમાં જે લોકોના મોત થયા તેમાના મોટા ભાગના વૃદ્ધ હતા અને તેમને ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર અને હાર્ટની પ્રોબ્લેમની બીમારી હતી.