ગાંધીનગર: ગુજરાતમાં લોકડાઉન વચ્ચે કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં ત્રણ અને સૌરાષ્ટ્રમાં ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજકોટ, ગીરસોમનાથ અને પોરબંદરમાં એક-એક કેસ અને મોડી સાજે ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 68 થયા છે. જ્યારે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત થતા કુલ મૃત્યુઆંક પાંચ થયો છે.




પોરબંદરમાં 48 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પોરબંદર જિલ્લામાં પ્રથમ કેસ પોઝિટિવ આવતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદમાં વધુ નોંધાયેલા ત્રણ કેસમાંથી એક દર્દી ગુજરાત કેન્સર સોસાયટીમાંથી આવ્યાં હતાં તેમનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત ત્રીજો કેસ મુંબઈ સુધી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.



કોરોનાના જે પોઝિટિવ કેસ નોંધાયા તેમાંથી વડોદરાના ત્રણ દર્દીઓ અને અમદાવાદના 4 દર્દીઓની તબિયત સુધારા પર છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા આકંડો 9 પર પહોંચ્યો છે. જ્યારે 500 લોકો ઓબ્ઝેર્વેશન હેઠળ છે. ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં કુલ બે દર્દી પોઝિટિવ છે. જેના સંપર્કમાં આવેલા 56 વ્યક્તિની આરોગ્ય વિભાગની તપાસ કરવામાં આવી હતી અને એક જ ઘરના પાંચ સભ્યોને આઈસોલેશનમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાંથી ચારના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.



ગુજરાતમાં કુલ 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં પાંચ લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે એક દર્દી સાજો થતાં તેને રજા આપી દેવામાં આવી છે. જેમાં અમદાવાદમાં કુલ 22 કેસ સામે આવ્યાં હતાં જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યું છે. વડોદરા અને રાજકોટમાં 9-9 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 8 કેસ નોંધાયા જેમાં એકનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં કુલ 15 કેસ સામે આવ્યાં છે. આ ઉપરાંત ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.