અમરેલીઃ Lockdownના કારણે રેલવે, બસ સહિતના તમામ પરિવહન વાહનો બંધ હોવાથી સુરતથી બાઈક, મોટરકાર લઈને મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રવાસીઓ માદરે વતન પહોંચી ગયા છે. પરંતુ તેમને કોરોના વાયરસની મહામારીની ગંભીરતા ન હોય તેમ ફરી રહ્યા છે અને કેટલીક જગ્યાએ તો ભેગા થઈ ખાવા-પીવાની પાર્ટી પણ કરી રહ્યા છે.
ક્યાં હતી ભજીયા પાર્ટી
સાવરકુંડલાના નાના ભમોદરા-જીરા રોડ પર આવેલા વૃંદાવન ફાર્મમાં શનિવારે સુરતથી માદરે વતન પધારેલા સુરતીલાલાએ ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો હતો. આ વાતની જાણ થતાં પોલીસે ફાર્મ પર ત્રાટકી ભેગા થયેલા સાત લોકો સામે કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમાં કોરોનાની શું છે સ્થિતિ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં જે 63 કેસ પોઝીટીવ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 22, સુરતમાં 08, રાજકોટમાં 09, વડોદરામાં 09, ગાંધીનગરમાં 09, ગીર સોમનાથમાં 2, પોરબંદર, ભાવનગર, કચ્છ, મહેસાણા અને સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે. જ્યારે કુલ 5 લોકોનો મોત થયા છે.
તેમણે ઉમેર્યું હતું કે, કોરોના વાયરસ સંદર્ભે સંભવિત સંક્રમણને અટકાવવા તથા પોઝિટિવ દર્દીઓને તત્વિરત સારવાર પૂરી પાડવા રાજ્યનું વહીવટી તંત્ર સૂંપૂર્ણપણે સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને દરરોજ કોર કમિટીની બેઠકમાં જરૂરી માર્ગદર્શન અને યોગ્ય નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. રાજ્યના ચારેય મહાનગરો અને જિલ્લા કક્ષાએ 5500 જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં અમદાવાદ ખાતે 1200, સુરત ખાતે 500, વડોદરા ખાતે 250, રાજકોટ ખાતે 250 બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજ રીતે રાજ્યના તમામ જિલ્લામાં 50 સરકારી અને 50 ખાનગી મળી અંદાજે 100 બેડની સુવિધા વાળી 3300 બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.