ગુજરાતનું આ નાનકડું નગર કોરોના વાયરસનું નવું હોટ સ્પોટ, એક જ દિવસમાં સાત કેસ, કુલ 12 કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Apr 2020 09:36 AM (IST)
ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આણંદ જિલ્લો કોરોનાવાયરસના ચેપના નવા હોટ સ્પોટ તરીકે ઉભર્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આણંદ જિલ્લો કોરોનાવાયરસના ચેપના નવા હોટ સ્પોટ તરીકે ઉભર્યો છે. છેલ્લા 24 કલાકમાં આણંદમાં વધુ 7 કેસ નોંધાતાં લોકો ફફડી ગયા છે. આ સાથે આણંદ જિલ્લામાં કોરોનાપોઝીટીવના કેસની સંખ્યા 17 પર પહોંચી છે. આણંદમાં પણ નાનકડું શહેર કોરોનાના નવા હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. ખંભાતમાં કોરોનાવાયરસનો કેર સૌથી વધારે છે. આણંદ જિલ્લામાં નવા નોંધાયેલા કોરોનાવાયરસના ચેપના તમામ 7 કેસ ખંભાતના છે. આણંદ જિલ્લામાં કુલ કોરોનાવાયરસના 17 કેસ થયા તેમાંથી 12 કેસ તો ખંભાતના જ છે. ખંભાતના એક જ વિસ્તારના 7 કેસ પોઝીટીવ આવ્યા છે. ખંભાતના તમામ 12 કેસ આલિંગ ચાર રસ્તાના છે. આ વિસ્તાર અકીક અને મોતીના કારીગરોનો છે. મોતીવાળાના પરિવારમાં જ આ ચેપ લાગ્યો છે. કેતનભાઈ ગોપાલદાસ રાણા નામના અકીકના કારીગરને સૌથી પહેલાં કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો. તેમના સંપર્કમાં આવનારા તેમના પરિવારના સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે.