અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશભરમાં 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય પછી કેટલાક જિલ્લાઓમાં છૂટછાટ આપશે. કેન્દ્રની મોદી સરકારે નિર્ણય લીધો છે કે, ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં લોકડાઉન હટાવાય તેવી શક્યતા છે અને મહત્તમ છૂટછાટો અપાશે. ગુજરાતમાં આવા જિલ્લાની સંખ્યા માત્ર 5 છે.

ગુજરાતના મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા એ પાંચ જિલ્લા ગ્રીન ઝોનમાં હોવાથી આ જિલ્લાઓમાં લોકડાઉન હટાવાશે જ્યારે બીજા જિલ્લાઓમાં લોકડાઉ હટાવીને છૂટછાટ મળશે જ્યારે બાકીના જિલ્લાઓમાં લોકડાઉન ચાલુ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. મોદીએ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. આ ચર્ચાવિચારણા પછી કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે.

કેન્દ્ર સરકાર પણ લોકડાઉન બાદ ઝોન આધારે જિલ્લાઓમાં છૂટછાટ અને કડક અમલ કરાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશેજ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ મળી શકે છે. તેમજ ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત મળી શકે છે.