અમદાવાદ. ગુજરાતમાં કોરોના વાયરસને લઈને ખળભળાટ મચી ગયો છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણથી બચવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચે ‘જનતા કર્ફ્યૂ’ અને ત્યારબાદ લોકડાઉનની જાહેર કરી હતી જોકે આ પહેલા ફરવા ગયેલા ગુજરાતીઓ ગોવામાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ નોર્થ ગોવાના ક્લંગુટ બીચ પાસે હોટેલમાં રોકાયેલા જય પટેલે જણાવ્યું હતું કે, તેઓ ‘જનતા કર્ફ્યૂ’ જાહેર કરવામાં આવ્યું તે પહેલા ગોવા પહોંચી ગયા હતા. વધુમાં મહારાષ્ટ્રની બોર્ડર સીલ હોવાથી તેઓ ત્યાંથી પણ નીકળી શકતા નથી. તેમના જેવા ગોવાના અલગ-અલગ વિસ્તારોમાં 100થી વધુ ગુજરાતીઓ હોવાની સંભાવના છે.



તેણે વધુમાં કહ્યું હતું કે, હાલમાં તેમને હોટેલમાં જ રોકી દેવામાં આવ્યા છે. જોકે હોટેલવાળા ભાડું વસૂલ કરશે તેમ જણાવ્યું હતું. બીજી બાજુ અહીંથી નીકળવા માટે અમે અમારા વિસ્તારના ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ મદદ માટે રજૂઆત કરી છે. તેની સાથે જ અહીં ગોવાના વહીવટી અધિકારીઓ સાથે પણ વાત કરતાં તેમણે અહીંથી જવાની મંજૂરી આપી દીધી હતી.



પરંતુ આ મંજૂરી ગોવા મહારાષ્ટ્ર બોર્ડર સુધી જ હતી. આ સ્થિતિમાં અમને મહારાષ્ટ્ર સરકાર તરફથી આગળ જવાની મંજૂરી ન મળે તો અમે વચ્ચે અટવાઈ જઈએ તેવી સ્થિતિ હોવાથી હાલ અહીં જ રોકાયા છીએ. આ સ્થિતિમાં ગુજરાતની સરકારે અમને અહીંથી બહાર કાઢવા પ્રયાસ કરવો જોઈએ તેવી અમારી વિનંતી છે.