અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશભરમાં 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય પછી કેટલાક જિલ્લાઓમાં છૂટછાટ આપશે જ્યારે કેટલાક જિલ્લામાં કોઈ છૂટ નહીં મળે. મોદી સરકારે દેશના કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. આ પૈકી રેડ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે અને કોઈ પણ છૂટ નહીં મળે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં હોવાથી ત્યાં કોઈ છૂટ નથી મળવાની.

ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લી એ નવ જિલ્લા રેડ ઝોનમાં હોવાથી ત્યાં કોઈ છૂટછાટ નહીં મળે. કેન્દ્રની મોદી સરકારે નિર્ણય લીધો છે કે, ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં લોકડાઉન હળવું કરાશે અને મહત્તમ છૂટછાટો અપાશે. ગુજરાતમાં આવા જિલ્લાની સંખ્યા માત્ર 5 છે.

ગુજરાતના મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા એ પાંચ જિલ્લા ગ્રીન ઝોનમાં હોવાથી આ જિલ્લાઓમાં લોકડાઉન હટાવાશે જ્યારે બીજા જિલ્લાઓમાં જિલ્લાઓમાં લોકડાઉન ચાલુ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. મોદીએ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. આ ચર્ચાવિચારણા પછી કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે.