ગુજરાતમાં આવી ગઈ કોરોનાની રસી, જાણો પ્રથમ તબક્કામાં કેટલા ડોઝ આવ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Jan 2021 11:56 AM (IST)
ગુજરાતમાં આવેલ કુલ ડોઝમાંથી 1 લાખ 20 હજાર ડોઝ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર RDD ઝોન હસ્તક 96000 ડોઝ રાખવામાં આવશે. 60000 ડોઝ ભાવનગર વિસ્તારમાં મોકલવામાં આવશે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના રસી આવી ગઈ છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પુણેથી કોરોનાની રસી આવી છે. રસી અમદાવાદ આવી ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ત્યાં હાજર રહ્યા હતા. નીતિન પટેલે આ પ્રસંગે કહ્યું કે, 16 જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાનું શરૂ થઈ રહ્યું છે. પુનાથી વિમાન દ્વારા 276000 ડોઝ ગુજરાતમાં આવ્યા છે. વેક્સીન આવવાથી નાગરિકોનો ઉત્સાહમાં વધારો થયો છે. 30 કરોડ નાગરિકોને વેકસીન આપવાની છે તેના પ્રથમ તબક્કામાં ડોકટર, પેરા મેડિકલ સ્ટાફ તમામને રસી આપવામાં આવશે. નીતિન પટેલે આગળ કહ્યું કે, પીએમ, કેન્દ્ર સરકારનો આરોગ્ય મંત્રી તરીકે હું આભાર વ્યક્ત કરું છું. ગુજરાતમાં આવેલ કુલ ડોઝમાંથી 1 લાખ 20 હજાર ડોઝ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર RDD ઝોન હસ્તક 96000 ડોઝ રાખવામાં આવશે. 60000 ડોઝ ભાવનગર વિસ્તારમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત વડોદરા માટે 94500 ડોઝની ફાળવમી કરવામાં આવી છે. જેમાં વડોદરા કોર્પોરેશન માટે 16400 ડોઝ, વડોદરા જિલ્લા માટે 10,438, નર્મદા 4215, છોટા ઉદેપુર 5879, ભરૂચ - 10119, દાહોદ - 12619, મહીસાગર 6730, પંચમહાલ 8419 ડોઝ ફાળવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આજે વહેલી સવારે કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થાને પૂણેની સીરમ ઈંસ્ટિટ્યૂટથી રવાના કરવામાં આવ્યો હતો. વેક્સીનનો પ્રથમ જથ્થો 3 ટ્રકોમાં સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ રવાના કરવામાં આવ્યો હતો. સીરમ ઈન્સ્ટિટ્યૂટઓફ ઈન્ડિયાને ભારત સરકાર તરફથી વેક્સિન ખરીદી માટે ઓર્ડર આપવામા આવ્યો છે. સરકાર કંપની પાસેથી પ્રત્યેક ડોઝ 200 રૂપિયાની કિંમતે ખરીદશે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી 287 બુથ પર વેક્સીનેશન શરૂ કરાશે. પીએમ મોદી વીડિયો કૉંફ્રેસથી તમામ બુથ પર વેક્સીનેશનનો પ્રારંભ કરાવશે. ગુજરાતમાં વેક્સીનેશન માટે 25 હજાર બુથ તૈયાર કરાયા છે.