Corona Virus Return:  કોરોના વાયરસ (COVID-19) ફરી એકવાર ડરાવવા લાગ્યો છે. એશિયાના ઘણા દેશોમાં કોવિડના કેસ સતત વધી રહ્યા છે. ખાસ કરીને હોંગકોંગ, સિંગાપોર અને થાઇલેન્ડમાં પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. આ દેશોમાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને હોસ્પિટલોમાં દાખલ થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં પણ નવા કેસોને લઈને ચિંતા વધી રહી છે. નિષ્ણાતો માને છે કે જો હવેથી સાવધાની રાખવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

ગુજરાતમાં પણ ફરી કોરોનાએ માથુ ઉચક્યુ છે. 16 મેથી 20 મે સુધીમાં અમદાવાદમાં કોરોનાના સાત કેસ નોંધાયા હતા. વટવા,નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં કોરોનાના કેસ નોંધાયા હતા. બે વર્ષના બાળક અને 15 વર્ષના બે સગીરો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. હાલ તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.

બીજી તરફ મુંબઈમાં આજે કોરોનાના નવા 53 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ વધતા BMCએ લોકોને શાંતિ જાળવવા અને દેખરેખ રાખવાની સલાહ આપી છે. સાથે જ કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ 1 જાન્યુઆરીથી 19 મે સુધીમાં દેશમાં ફક્ત 257 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 1 મેથી 19 મે સુધીમાં સિંગાપોરમાં કોરોનાના ત્રણ હજાર દર્દી નોંધાયા છે. જ્યારે હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં પણ કોરોનાના વધતા કેસને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કોરોનાને લઈને સિંગાપોરમાં હાઈ એલર્ટ

સિંગાપોરમાં કોવિડ-19ના કેસોમાં 28 ટકાનો વધારો થયો છે. પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અહીં કોવિડ-19 ના કુલ અંદાજિત કેસ 14,200 પર પહોંચી ગયા છે. વધુ ગંભીર વાત એ છે કે હોસ્પિટલોમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં પણ લગભગ 30 ટકાનો વધારો થયો છે.

5 મે થી 11 મે દરમિયાન, સિંગાપોરમાં 25,900 નવા કેસ નોંધાયા હતા.  હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સરેરાશ દૈનિક સંખ્યા 181 થી વધીને 250 થઈ ગઈ છે. નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી 2 થી 4 અઠવાડિયામાં આ લહેર તેની ટોચ પર પહોંચી શકે છે. આરોગ્ય મંત્રી ઓંગ યે કુંગે કહ્યું કે સમય જતાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે. તેમણે તમામ નાગરિકોને રસીકરણનો નવો રાઉન્ડ શરૂ કરવા અને બૂસ્ટર ડોઝ લેવા અપીલ કરી છે.

હોંગકોંગમાં કોરોના પાછો ફર્યો, વૃદ્ધોને સૌથી વધુ અસર

હોંગકોંગમાં કોવિડ-19 ચેપનો નવો દોર શરૂ થયો છે. અહીં પરિસ્થિતિ સતત બગડી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચમાં પોઝિટિવિટી દર 1.7 ટકા હતો, જે હવે વધીને 11.4 ટકા થયો છે. અત્યાર સુધીમાં 81 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 30 લોકોના મોત થયા છે.