અમદાવાદઃ ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા-3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે.




આ નામ જાહેર કરવાને કારણે તેમની આસપાસમાં રહેતા અને સંપર્કમાં આવેલા લોકોને જાણ થશે. જેથી તેઓ સામેથી સરકારી હોસ્પિટલમાં આવે અને ટેસ્ટ કરાવે. આ પ્રકારના લોકોને તાત્કાલિક સારવાર મળે અને બીજાને ચેપ ન લાગે અને વ્યાપ અટકાવવા માટે નિર્ણય લેવાશે.



ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, 18 દર્દીના નામ જાહેર થયા બાદ જે લોકો સંપર્કમાં આવ્યા છે તે લોકો પણ ટેસ્ટ કરાવે. જ્યારે 18માંથી 11 દર્દીઓ વિદેશથી ગુજરાત આવ્યા છે જોકે હવે કોઈ વિદેશથી આવશે નહીં.



ગુજરાતમાંથી કુલ 273 સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 18 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે 253 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. તેમજ બેના રિપોર્ટ આવવાના બાકી છે. આ 18 પોઝિટિવ કેસમાં 11 દર્દીઓ વિદેશથી ગુજરાત આવ્યા છે. હવે નવા પેસેન્જર વિદેશથી હવે આવશે નહીં. જ્યારે 6000ને લક્ષણ જણાયા નથી.