ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે આજે 1 મોત થયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 118 નવા કેસ નોંધાયા છે. વલસાડમાં શહેરમાં એક મોત થયું છે. રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1697 પહોંચ્યો હતો. જ્યારે 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાના આંકડાની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા હતા જ્યારે રાજકોટ શહેરમાં 30, સુરત શહેરમાં 25, મોરબીમાં 17, વડોદરા 16, રાજકોટ જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. રાજ્યમાં 134 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
Corona : કાળમુખા કોરોનાને લઈ એડવાઈઝરી, 10-11 એપ્રિલ માટે કેન્દ્રના 'ખાસ' આદેશ
દેશમાં કોરોના વાયરસ અને ફ્લૂના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં લોકોને કોવિડ માટે નિર્ધારિત સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. મંત્રાલયે લોકોને ભીડવાળી અને બંધ જગ્યાઓએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. આ સાથે જ છીંક કે ખાંસી વખતે નાક અને મોં ઢાંકવા માટે રૂમાલ/ટીશ્યુનો ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. હાથની સ્વચ્છતા જાળવવા સાબુ અથવા હેન્ડવોશથી વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે લોકોને જાહેર સ્થળોએ થૂંકવાથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયના નિર્દેશો અનુસાર તપાસને પ્રોત્સાહન આપવા અને લક્ષણો વિશે પ્રારંભિક માહિતી આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ સાથે જો શ્વાસ સંબંધી રોગોથી પીડિત હોય તો વ્યક્તિગત સંપર્ક મર્યાદિત કરવાની પણ સલાહ આપવામાં આવી છે. કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 10 અને 11 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સ્તરે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. જેથી તેનો સામનો કરવા માટેની તૈયારીઓનો તાગ મેળવી શકાય. મોક ડ્રીલમાં ICU બેડ, તબીબી સાધનો, ઓક્સિજન અને માનવબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે 27 માર્ચે સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યો સાથે બેઠક બોલાવી છે. આ બેઠકમાં મોકડ્રીલ સંબંધિત તમામ માહિતી શેર કરવામાં આવશે.