coronavirus:  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા હતા. ગાંધીનગર અને મહેસાણામાં કોરોનાના નવા બે બે કેસ, તો રાજકોટમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો. મહેસાણા-ગાંધીનગરના ચાર દર્દી દક્ષિણ ભારતમાં ફરીને આવ્યા હોવાનો ખુલાસો થયો હતો.


અમદાવાદમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના સાત કેસ નોંધાયા છે. પાલડીમાં ત્રણ, જોધપુરમાં બે, તો બે કેસ ઘાટલોડિયામાં નોંધાયા હતા. પાંચ દર્દી ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપોરમાં ટ્રાવેલ કરીને આવ્યા હોવાની જાણકારી છે.


સરકારે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાનો નવો વેરિએન્ટ JN.1નો એકપણ કેસ ન નથી. સરકારે કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. લોકોને સતર્કતા રાખવાની સરકારે અપીલ કરી હતી. ગુજરાતમાં કોરોનાના 13 એક્ટિવ કેસ છે પણ એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.


અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે SVP હોસ્પિટલમાં 50 બેડ સાથેનો કોવિડ વોર્ડ તૈયાર કર્યો હતો. કોરોના પોઝિટીવ આવનાર તમામ દર્દીનું જીનોમ સિક્વન્સિંગ કરાશે. બીજી તરફ કોરોનાના ડર વચ્ચે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર મહાનગર પાલિકા કાર્નિવલ સમયમાં કોરોના સંક્રમણને લઈને ખાસ તકેદારી રાખશે.


નોંધનીય છે કે કેરળના પ્રવાસે ગયેલા મહેસાણાના બે વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા છે. મહેસાણા તાલુકાના દેદીયાસણ ગામના બે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર એલર્ટ થયું છે. 42 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસાણા જિલ્લામાંથી કેરળના પ્રવાસે ગયેલા ત્રણ પૈકી બેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. હાલમાં કોરોના પોઝિટિવ દંપત્તિને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ શરૂ કરાયું છે.


દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે, જે 21 મે પછી જોવા મળેલા સૌથી વધુ કેસ છે.આ સાથે દેશમાં  એક્ટિલ  કેસની સંખ્યા વધીને 2,311 થઈ ગઈ છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 321 થઈ ગયો છે.