ગુજરાતમાં મોટા ભાગના કોરોનાવાયરસના ચેપના કેસોમાં રીપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે એ સારી વાત છે એમ તેમણે ઉમેર્યું. આ ઉપરાંત ગુજરાતમાં વેન્ટિલેટર પર હોય તેવા કેસોની સંખ્યા પણ બહુ નથી તેથી ગુજરાતમાં સ્થિતી ગંભીર નથી પણ લોકો લોકડાઉનનો કડક અમલ કરે તો સ્થિતીને ગંભીર બનતી રોકી શકાય છે તેમ તેમણે ઉમેર્યું. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં સારવાર હેઠળ હતા તેમાંથી પાંચ લોકો સંપૂર્ણપણે સાજા થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધતો જ જઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદીઓએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આજે પણ અમદાવાદમાં કોરોનાના 2 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 26 થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 73એ પહોંચી ગઈ છે.
આ પહેલા ગઈકાલે સુરતના રાંદેર વિસ્તારમાં કોરોના વાયરસનો વધુ એક કેસ નોંધાયો હતો. રાજકોટમાં પણ ગઈકાલે કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.
અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ 25 કેસ પોઝીટીવ નોંધાયા છે. અમેરિકાથી આવેલા પુરૂષનો ગઈકાલે રિપોર્ટ પોઝીટવ આવ્યો હતો. રાજ્યમાં 33 કેસ લોકલ સંક્રમણના કારણે નોંધાયા છે. પોઝિટિવ કેસના 3થી 5 કિલોમીટરના તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.