અમદાવાદઃ ડિવોર્સી યુવતી સાથે ભાગીને આવેલા યુવકે કરી પ્રેમિકાની હત્યા, લાશ બેગમાં ભરી ઘર બંધ કરીને ભાગ્યો.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Mar 2020 09:35 AM (IST)
પોલીસે અનુરાગની પૂછપરછ હાથ ધરી ત્યારે જાણવા માળ્યું હતું કે, કિરણનાં અગાઉ લગ્ન થઈ ગયાં હતાં પણ છૂટાછેડા થઈ ગયા હતા
અમદાવાદ: ફેસબુકના માધ્યમથી પ્રેમ થતાં પ્રેમિકા સાથે ભાગીને અમદાવાદ આવેલા રાજસ્થાનના યુવકે પ્રેમિકાની હત્યા કરી દીધી હતી. યુવક પ્રેમિકાની લાશ બેગમાં મૂકીને ઘર બંધ કરીને ઉદયપુર નાસી ગયો હતો પણ પછી પોતાની ભૂલ સમજાતાં ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પ્રેમિકાની હત્યા કર્યા હોવાની કબૂલાત કરી લીધી હતી. ઉદયપુર પોલીસે જાણ કરતાં નરોડા પોલીસ ઉદયપુર જઈને પ્રેમીને પકડી ગુનો નોંધ્યો છે. રાજસ્થાનના વતની અને હાલ નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેતા અનુરાગસિંગ ભદોરિયા(ઉ.વ.19)ને ફેસબુક દ્વારા રાજસ્થાનની કિરણ નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. બંનેના પરિવારો આ સંબંધથી નારાજ હોવાથી અનુરાગ અને કિરણ રાજસ્થાનથી ભાગીને નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેવા આવી ગયા હતા. થોડા સમય સાથે રહ્યા પછી અનુરાગે તેપોતાની માતાને મળવા જવાનું કહેતાં કિરણે ના પાડી હતી અને માતાના ચારિત્ર્ય વિશે ગંદી વાતો કરવા લાગી હતી. ગુસ્સે ભરાયેલા અનુરાગે કિરણનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ તેની લાશને કપડાં ભરવાની ભેગમાં ભરીને બેગ ઘરમાં મૂકી ઘર બંધ કરીને ઉદયપુર ખાતે ચાલ્યો ગયો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થતાં ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે અનુરાગની પૂછપરછ હાથ ધરી ત્યારે જાણવા માળ્યું હતું કે, કિરણનાં અગાઉ લગ્ન થઈ ગયાં હતાં પણ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ ફેસબુક દ્વારા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્ને લગ્ન કરવા માગતા હતા.