ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં 31 માર્ચ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવી શકે છે. આ નિર્ણય ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગેનો રિપોર્ટ મોકલી આપ્યો છે.



ગુજરાતની રૂપાણી સરકારે કોરોના વાયરસને પગલે શિક્ષણ જગત માટે મહત્વપુર્ણ નિર્ણય લઈ શકે છે. હવે શિક્ષકોને પણ સ્કૂલે જવાની જરૂર નહીં રહે તેવો નિર્ણય સરકાર લેવા જઈ રહી છે. સરકારે શિક્ષકોને શાળાએ જવામાંથી છૂટ પણ આપી શકે છે. આ સાથે જ વિદ્યાર્થીઓના ભણતરને લઈને પણ સરકાર ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરી શકે છે. જોકે હજુ આ મુદ્દે સત્તાવાર જાહેરાત થઈ નથી.



ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 30 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 13 કેસ, સુરતમાં પાંચ પોઝિટિવ કેસમાંથી એક વૃદ્ધનું મોત થયું છે. વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ અને રાજકોટમાં એક-એક કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થવા છતાં લોકો પર લોકડાઉનની અસર જોવા મળી ન હતી.