અમદાવાદઃ રાજ્યમાં કોરનાના કહેર વચ્ચે વાતાવરણાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યા બાદ હવામાન વિભાગે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વાવાઝોડા, અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ચોમાસાનો અનુભવ થશે.


હવામાન વિભાગે 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ગઇ કાલથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

જ્યારે આજે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આમ પણ ચાલુ વર્ષ ખેડૂતો માટે ભારે રહ્યું છે. ચોમાસામાં સતત એકધારા વરસાદના કારણે પહેલા કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. દિવાળી બાદ થયેલા માવઠાના કારણે ઘંઉ અને જીરુના પાકને મોટા પાયે નુકસાન થયું હતું.

હવે પડી રહેલા વરસાદથી કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.