અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. આ પહેલા સુરતના એક વ્યક્તિનું કોરોના વાયરસથી મોત થયું હતું. રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 39 પર પહોંચી છે.


મહિલા ક્યાં ગયા હતા

મળતી માહિતી પ્રમાણે કોરોનાને કારણે 85 વર્ષના વૃદ્ધાનું અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે મોત નીપજ્યું હતું. મૃતક અમદાવાદની જ મહિલા છે અને સાઉદી અરેબિયામાં મક્કા-મદિનાથી 14 માર્ચે ભારત પરત ફર્યા હતા. 8 દિવસ ઘરે રહ્યા બાદ 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. મૃતક અન્ય શારીરિક તકલીફોથી પણ પીડિત હતાં. સુરત બાદ ગુજરાતમાં કોરોનાને કારણે આ બીજું મોત થયું હતું.

વડોદરામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. 55 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ વ્યક્તિ યુકેથી આવ્યો હતો અને છેલ્લા 2 દિવસથી ગોત્રી જનરલ હોસ્પિટલમાં દાખલ હતો.

શું કહ્યું આરોગ્ય સચિવે

કોરોનાની સ્થિતિ અંગે સવારે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 39 કોરોનાના પોઝિટિવના કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં સૌથી વધુ 14 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં 6 અને રાજકોટમાં 4 તથા કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સાજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા હવે શહેરમાં કોરોનાના 4 દર્દી થયા છે.