જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી વિવાદમાં આવી છે. કાજલ મહેરીયાએ કોરોનાના કહેર વચ્ચે લોકોની ભીડ જમાવીને પોતાના પોમેરિયન બીડના ગલુડિયાનો બર્થ ડે ઉજવીને વિવાદ પેદા કર્યો છે. અમદાવાદમાં કોરોનાને પગલે સ્થિતિ ખરાબ છે તેવા સમયે આ પાર્ટીમાં લોકોના ટોળાં ઉમટતાં કાજલ મહેરીયા સામે કેસ કરવાની માંગ પણ ઉઠી છે.
રાસગરબાની રમઝટ સાથે લોકગાયિકાએ પોમેરિયન બ્રીડના ગલુડિયા એબ્બીના બર્થડે માટે અંદાજે રૂપિયા સાત લાખનો ખર્ચ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
લોકગાયિકા કાજલ મહેરીયાએ અમદાવાદના નિકોલમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એબ્બીનો બર્થ ડે ઉજવ્યો હતો. નિકોલના મધુવન પાર્ટી પ્લાટ ખાતે 7 જાન્યુઆરીએ કાજલ મહેરિયાએ એબ્બીનો બર્થ ડે ઉજવવા માટે ખાસ આયોજન કર્યું હતું. પાર્ટી પ્લોટના પ્રવેશદ્વાર પર એબ્બી સાથે કાજલ મહેરિયાની મોટી સાઈઝની તસવીરો મૂકાઈ હતી.
બર્થ-ડે પાર્ટીમાં કાજલ મહેરિયાએ ગીત ગાયાં હતાં. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ઉણટી પડ્યાં હતાં. લોકોએ પણ કાજલ મહેરીયાના સૂરના તાલે રાસની રમઝટ બોલાવીને બર્થ ડેની ઉજવણી કરી હતી.
કાજલ મહેરીયા આ પહેલાં પણ કોરોના કાળમાં લોકોની ભીડ જમાવીને નિયમોનો ભંગ કરવા બદલ વિવાદ પેદા કરી ચૂકી છે. થરાદ તાલુકાના કેશર ગામે નાગજીભાઈ સોનાજી નાયીના દીકરાનો લગ્ન પ્રસંગ હોવાથી કાજલ મહેરિયાને આમંત્રિત કરવામાં આવી હતી. 29 નવેમ્બર 2020ની રાત્રે કાજલ મહેરિયાએ ડીજેના તાલે ગીતો ગાયા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ સર્જાતાં જાહેરનામાનું ઉલ્લંઘન થયું હતું. આ અંગેનો વીડિયો ઉતારી વાયરલ કરાયો હતો. પોલીસે 16 ડિસેમ્બરના રોજ લગ્ન આયોજક વરરાજાના પિતા નાગજીભાઈ સોનાજી નાયી અને કાજલ મહેરીયા સામે ગુન્હો નોંધ્યો હતો. આ ગુનામાં લોક ગાયિકા કાજલ મહેરીયા જામીન સાથે થરાદ પોલીસ મથકે હાજર થઈ જામીન પર મુક્તિ મેળવી હતી.
એક વર્ષ અગાઉ વિસનગર તાલુકાના વાલમમાં રબારીવાસમાં લગ્ન પ્રસંગમાં રાસ-ગરબાનું આયોજન કર્યુ હતું. જેમાં લોકગાયિકા કાજલ મહેરિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો હોવાથી તપાસ કરતાં 100થી વધુ માણસો હોવાનું તેમજ માસ્ક પહેરલ ન હોવાનું બહાર આવતાં પોલીસે કાજલબેન નગીનભાઈ મહેરિયા, રાજ ગીરીશભાઈ પટેલ, રાજેશકુમાર રાયમલભાઈ રબારી,મૌલિકકુમાર ધીરૂભાઇ રબારી સહિત 14 લોકો સામે જાહેરનામા ભંગની તેમજ એકેડેમીક એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.