ગાંધીનગરઃ કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન અનુસાર રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરાયો છે. હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરાયા છે. રાજ્યના 10 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ રહેશે. રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદઆ બે શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાગુ કરાયો છે.
નવી ગાઈડલાઈન અનુસાર 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9ની શાળાઓમાં ઓફલાઈન વર્ગ બંધ કરાયા છે. જ્યારે 8 મહાનગરો સહિત રાજ્યના 10 શહેરમાં હવે રાતે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આણંદ અને નડિયાદમાં કોરોના વધતા અહીં રાત્રિ કર્ફ્યૂ લગાવાયો છે. તો હોટેલ-રેસ્ટોરન્ટ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તો હોટેલ-રેસ્ટોરન્ટમાં હોમ ડિલિવરી સેવાઓ રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. દુકાનો રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. લગ્ન અને સામાજિક પ્રસંગમાં 400 લોકોની મંજૂરી યથાવત રખાઈ છે. પબ્લિક અને પ્રાઈવેટ બસ સેવાઓ 75 ટકા બેઠક ક્ષમતા સાથે દોડાવી શકાશે. બસ સેવાને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ અપાઈ છે.
બીજી તરફ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ઇન્ડિયન પબ્લિક હેલ્થ ઓસિસિએશનનું માનીએ તો ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર તેના પીક પર હશે અને ફેબ્રુઆરી મહિના બાદ કેસ ક્રમશઃ ઘટશે. 28 ડિસેમ્બરે દેશમાં જ્યાં 6,538 નવા કેસ હતા અને 0.61% પોઝિટિવિટી રેટ હતો. જ્યારે આજે સાત દિવસ બાદ એક દિવસમાં 1 લાખ 17 હજાર કેસ નોંધાયા અને પોઝિટિવિટી રેટ 7 ટકા થયો છે. પહેલી લહેર દરમિયાન દેશમાં એક જ દિવસમાં 97,894 કેસ નોંધાયા હતા. જ્યારે બીજી લહેર દરમિયાન સૌથી વધુ 4 લાખ 14 હજાર કેસ નોંધાયા હતા.
ગુજરાત સરકારે 10 શહેરોમાં રાત્રિ કરફ્યુમાં કોને આપી છૂટ ? છૂટ લેવા માટે શું કરવાનું રહેશે ?