ભાજપ બાદ કૉંગ્રેસે સ્નેહમિલન સહિત અન્ય કાર્યક્રમો રદ કરવાની કરી જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Nov 2020 09:18 PM (IST)
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી 26મી નવેંબરથી શરૂ થનારા તાલુકા કક્ષાનો સંવાદ કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી બાદ કૉંગ્રેસે પણ સ્નેહમિલન સહિત અન્ય કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી 26મી નવેંબરથી શરૂ થનારા તાલુકા કક્ષાનો સંવાદ કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના કાળમાં સરકારે કરેલી તૈયારીઓને સામે સવાલ ઉઠાવ્યા છે. કૉંગ્રેસ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 10 મહિનામાં નવા આઈસીયુ અને ઈફ્રાસ્ટ્રક્ટર ઉભા કરાયા તેનો સરકાર જવાબ આપે. સાથે કૉંગ્રેસે સરકાર પર આંકડાની માયાજાળ રચતી હોવાનો આક્ષેપ કર્યો છે. નાઈટ કર્ફ્યૂને લઈને સરકાર પર સવાલ ઉઠાવતા અમિત ચાવડાએ કહ્યું કે, શું રાત્રિ કર્ફ્યૂ લગાવાથી કોરોનાને નિયંત્રણ કરી શકીશું. સરકારી હોસ્પિટલમાં બેડ, વેન્ટીલેટર અને બાકીની વ્યવસ્થા શું છે તે અંગે સરકારે જવાબ આપવો જોઈએ. પ્રજા ખાનગી હોસ્પિટલોમાં લૂટાઈ રહી છે ત્યારે પ્રજાને સસ્તી અને સારી સારવાર મળી રહે તે માટે સરકારનું આયોજન શું છે ?